ગુજરાત રાજયમાં ખુબ જ ઝડપથી થતા શહેરીકરણને કારણે ઉદભવતા વિવિધ પ્રશ્રોનું નિરાકરણ કરવા, શહેરીવિસ્તારમાં લોકોને માળખાગત સુવિધાઓ પુરી પાડવા તથા "સ્વચ્છ ગુજરાત - નિર્મળ ગુજરાત" ના સંકલ્પને યથાર્થ કરવા માટે શહેરી વિસ્તારમાં વિકાસલક્ષી યોજનાનું સંકલન થાય તે ખુબ જ જરૂરી હતું જે અર્થે થઈને જિલ્લા શહેરી વિકાસ એજન્સીની સંકલનકર્તા એજન્સી તરીકે રાજ્ય સરકાર દ્રારા રચના કરવામાં આવી. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા. ૩૦/૦૬/૯૮ ના ઠરાવમાં જણાવ્યા અનુસાર જિલ્લાકક્ષા એ ગ્રામ વિકાસ એજન્સીની જેમ શહેરી વિસ્તારોમાં પણ વિકાસ યોજનાનું સંકલન કરવા તથા મોનિટરીંગ કરવા હેતુસર તા. ૦૬/૦૫/૯૯ ના રોજ જિલ્લા શહેરી વિકાસ એજન્સી, જામનગરની રચના કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ તથા સભ્ય સચિવ સિવાય કુલ ૧૬ સભ્યોનો સમાવેશ થાય છે. હોદાની રૂએ કલેકટરશ્રી, જામનગર એ જિલ્લા શહેરી વિકાસ એજન્સી, જામનગરના અધ્યક્ષ હોય છે.